M.P / 45 વર્ષીય મહિલાએ પાણી પીવા નદીમાં હાથ નાખ્યો, મગર તેનો કોણી સુધીનો ડાબો હાથ ખાઈ ગયો
શિવપુરી. મધ્ય પ્રદેશના શિવપુરી જીલ્લામાં અમોલા પૂલ પાસે એક મહિલા સિંધ નદી પાસે ગઈ અને તે દરમિયાન મગરે તેની પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાએ કોણી સુધીનો પોતાનો એક હાથ ખોઈ દીધો છે. જો કે, સમયસર મહિલાનો દીકરો આવી જતા તેણે મગર પર લાકડીથી હુમલો કરીને માતાણો જીવ બચાવી લીધો હતો. ગંભીર હાલતમાં મહિલાને શિવપુરીની જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરી છે.
45 વર્ષીય સ્વરૂપી નામની મહિલા બુધવારે સિંધ નદીને કિનારે તડબૂચ તોડવા ગઈ હતી. બપોરણો સમય હોવાથી તેને તરસ લાગી અને પાણી પીવા માટે નદીમાં હાથ નાખ્યો. આ જ સમયે નદીમાં છુપાયેલા મગરે તેનો હાથ પોતાના જડબામાં લઇ લીધો. મહિલાએ આ મગરથી પોતાનો હાથ છોડવવા બુમો પાડી અને તેનો દીકરો ઓમકાર આવી ગયો. તેણે મગરને લાકડી મારી, પણ આટલી વારમાં મહિલાએ તેનો ડાબો હાથ ગુમાવી દીધો હતો. હાલ જીલ્લા હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી છે.
