કોરોનાથી પીડાતા ડોક્ટર્સનું શરીર કાળું પડી ગયું, 39 દિવસ વેન્ટિલેટર પર રહ્યા અને હવે ચાલવામાં પણ અસમર્થ
- કેસ ચીનની વુહાન સેનટ્રલ હોસ્પિટલનો, ડો. યી ફેન અને ડો. હૂ વીફેંગનો 18 જાન્યુઆરીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
- તેમની સારવાર કરનારા ડો. લી શૂશેંગના જણાવ્યાનુસાર, આનું કારણ ટ્રીટમેન્ટ દરમિયાન દવાનું રિએક્શન પણ હોઈ શકે છે
વુહાન. કોરોના વાઇરસના ચેપની સારવાર દરમિયાન તેની સાઇડ ઇફેક્ટ્સ ખૂબ જોખમી રીતે બહાર આવી રહી છે. ચીનના વુહાનમાં કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ કાળા થઈ ગયા છે. વુહાન સેન્ટ્રલ હોસ્પિટલના ડોકટર્સમાં પણ આવા કેસ નોંધાયા છે. ડો. યી ફેન અને ડો. વીફેંગને 18 જાન્યુઆરીએ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે આશરે 6 અઠવાડિયાં સુધી હોસ્પિટલમાં રહ્યા અને આ સમય દરમિયાન તેમનું આખું શરીર કાળું થઈ ગયું.
પહેલો કેસઃ મદદ વગર ચાલવું અશક્ય બની ગયું હતું
ચીનના મીડિયાના સીસીટીવીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ડો. યી વ્યવસાયે કાર્ડિયોલોજિસ્ટ છે અને ચેપ પછી તેઓ 39 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા. તેઓ હવે રિકવર થઈ ગયા છે. ડો. યીએ સીસીટીવીને જણાવ્યું કે, હું કોરોના સામે લડવામાં માનસિક રીતે બહુ પાંગળો બની ગયો હતો, શરીર તૂટી ગયું હતું. હું મદદ વિના ચાલવામાં અસમર્થ હતો. ડો. યીના કહેવા પ્રમાણે, જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે તેઓ પોતાની હાલત જોઇને ડરી ગયા હતા અને રિકવરી માટે કાઉન્સેલિંગની પણ જરૂર પડી હતી.
બીજો કેસઃ 45 દિવસ વેન્ટિલેટર પર રહ્યા અને માનસિક સંતુલન બગડ્યું
બીજા સાથી ડો. વીફેંગનો સંઘર્ષ વધુ પીડાદાયક હતો. હૂ 99 દિવસ સુધી હોસ્પિટલના પલંગમાં રહ્યા અને વેન્ટિલેટર પર 45 દિવસ સુધી તેમને વેન્ટિલેટર પર સપોર્ટઆપવામાં આવ્યો. તેમની સારવાર કરનારા ડો. લી શુશેંગનું કહેવું છે કે, હૂની માનસિક સ્થિતિ ખૂબ જ નબળી રહી છે. હૂ 7 ફેબ્રુઆરીથી 22 માર્ચ દરમિયાન સંક્રમણના ખરાબ તબક્કામાંથી પસાર થયા. ધીરે-ધીરે સ્થિતિ સુધરી અને 11 એપ્રિલે કંઇક બોલવાની સ્થિતિમાં આવ્યા.
આવનારા દિવસોમાં ત્વચાનો રંગ સામાન્ય થવાની આશા
ડો. લી શુશેંગના જણાવ્યા અનુસાર, ત્વચામાં પરિવર્તન આવવાનું કારણ સારવાર દરમિયાન આપવામાં આવતી કોઈ દવા પણ હોઈ શકે છે. જો કે, ડો. લીએ એ વાત સ્પષ્ટ ન કરી કે તેમને કઈ દવાઓ આપવામાં આવી છે. ડો. લીનું કહેવું છે કે, એવી અપેક્ષા છે કે આડઅસર ઓછી થવાની સાથે તેમની ત્વચાનો રંગ સામાન્ય થઈ જશે.
