અમદાવાદીઓનો સહકાર મળશે તો મે મહિનામાં કોરોનાને સંપૂર્ણ ડામી દઈશું: AMC કમિશનર વિજય નેહરા

અમદાવાદીઓનો સહકાર મળશે તો મે મહિનામાં કોરોનાને સંપૂર્ણ ડામી દઈશું: AMC કમિશનર વિજય નેહરા

  • દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવશે
  • રાજ્યમાં પ્રથમવાર કોરોના પોઝિટિવ દર્દીની સિઝેરિયનથી ડિલિવરી
  • જે દર્દીનો ખર્ચો પોષાતો હોય તેઓ 5 સ્ટાર હોટલમાં આઈસોલેશનમાં રહી શકશે

અમદાવાદ. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, જો તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આપણે મે મહિનામાં કોરોના પર નિયંત્રણ મેળવી લઈશું. જેના માટે 3 મે સુધી લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આજે નવા 50 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત પાંચના મોત થયા છે. કુલ 1298 દર્દી થયા છે અને મૃત્યુઆંક 43એ પહોંચ્યો છે.
SVPમાં દર્દીઓની સારવારની ક્ષમતા 500 બેડથી વધારી 1000 બેડ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી છે. કોરોના દર્દીની ડિલિવરીનો દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં 16 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે 51 દર્દી સાજા થયા છે. એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે અને આજે વધુ એક દર્દીને કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા 500થી વધારી 1000 કરી છે.
હજ હાઉસ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ થશે
વિજય નેહરાએ વધુમાં જણાવ્યું હતું કે, કાલુપુર સ્ટેશન પાસે આવેલા હજ હાઉસ ખાતે આવતીકાલથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. તેમજ 5 સ્ટાર હોટલ સાથે પણ કરાર કરીને કબજે લીધી છે. જેથી જે દર્દીનો ખર્ચો પોષાય હોય તે દર્દી તેમાં આઈસોલેશનમાં રહી શકશે.