ઈમરાન સરકાર ભારત માટે ફરી એરસ્પેસ બંધ કરશે; POKમાં સેનાની કાર્યવાહી બાદ નિર્ણય

ઈમરાન સરકાર ભારત માટે ફરી એરસ્પેસ બંધ કરશે; POKમાં સેનાની કાર્યવાહી બાદ નિર્ણય

  • ફેબ્રુઆરીમાં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી પાકિસ્તાને 3 વખત ભારતને તેની એરસ્પેસનો ઉપયોગ કરવા દીધો ન હતો 
  • ઈમરાન સરકારમાં ઉડ્ડયન મંત્રી ગુલામ સરવર ખાનના જણાવ્યા પ્રમાણે, કેબિનેટ બેઠરમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.

ઈસ્લામાબાદઃ આઠ મહિનામાં ચોથી વખત પાકિસ્તાન તેના એરસ્પેસને બંધ કરવા જઈ રહ્યું છે. ઈમરાન ખાન સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી ગુલામ સરવર ખાને ઈસ્લામાબાદમાં આ જાણકારી આપી. પાકિસ્તાને ભારતીય સેના પર સતત સીઝફાયરનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ગત મહિને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ યુરોપિયન દેશોની યાત્રા પર ગયા હતા. તે વખતે પણ આતંરરાષ્ટ્રીય નિયમોને બાજુમાં મુકીને પાકિસ્તાને કોવિંદના વિમાનને તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો.

ભારતીય સેનાની કાર્યવાહીનો બદલો
રવિવારે ભારતીયે સેનાએ LOC પાર કર્યા વગર જ POKમાં કાર્યવાહી કરી હતી. ઘણા આતંકી લોન્ચ પેડ અને સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દેવાયા હતા. પાકિસ્તાન સરકાર ભારતની આ કાર્યવાહીથી હેરાન છે. આ ઘટનાના થોડા સમય પછી ઈમરાનના સિવિલ એવિએશન મિનિસ્ટરે ‘એઆરવાય ન્યૂઝ’ને કહ્યું કે, ‘ભારત LOC પર બળજબરી ફાયરિંગ કરી રહ્યું છે. અમે તેના વિમાનોને આપણું એરસ્પેસ ઉપયોગ કરવા નહીં દઈએ, કેબિનેટની મિટિંગ થવાની છે, તેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.’

ભારતને વધારે ફરક નહીં પડે
ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પણ પાકિસ્તાને ભારતીય વિમાનોને તેમના એરસ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી ન હતી. આ પહેલા બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પણ આ પગલું લેવાયું હતું. ફેબ્રુઆરીથી નવેમ્બર એટલે કે આઠ મહિનાઓમાં ત્રણ વખત પાકિસ્તાન આ પ્રકારની હરકત કરી ચુક્યું છે. ઓગસ્ટમાં એર ઈન્ડિયાને કહ્યું હતું કે, પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી વધારે ફરક નહીં પડી જાય. અમેરિકા, યુરોપ અને મિડિલ ઈસ્ટ જનારી અંદાજે 50 ફ્લાઈટ્સમાં 12 મિનિટ વધારે લાગશે. જો કે, આર્થિક રીતે ભાંગી પડેલા પાકિસ્તાને તેની વધારે કિંમત ચુકવવી પડશે.