નસીરુદ્દીન શાહને હવે ગૃહયુદ્ધનો ડર:અભિનેતાએ કહ્યું-મુસ્લિમોને ડરાવવામાં આવે છે, પરંતુ અમે લોકો પણ 20 કરોડ છીએ
- મુગલો ભારતનું નિર્માણ કરવા આવ્યા હતાઃ બોલિવૂડ અભિનેતા
- નસીરુદ્દીને અગાઉ લાહોર ઘર જેવું પ્રતીત થતું હોવાનું કહીને વિવાદ છેડ્યો હતો
-
પોતાની ધમાકેદાર એક્ટિંગ જેવા જ નિવેદનો આપવા માટે પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહને દેશમાં ગૃહયુદ્ધનો ડર સતાવી રહ્યો છે. તેમણે વાસ્તવમાં જમણેરી લોકોની નિવેદનબાજી અંગે આકરી પ્રતિક્રિયા આપવાના પ્રયાસમાં આ વાત એક ઈન્ટરવ્યૂમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉશ્કેરણીજનક નિવેદનબાજી કરનારા લોકો જ ભારતને ગૃહયુદ્ધ તરફ ઢસડી રહ્યા છે. શાહે કહ્યું હતું કે દેશમાં 20 કરોડ મુસ્લિમો છે, જેમને તમે રાતોરાત સાફ ન કરી શકો. અમે 20 કરોડ આ જ ભારતના છીએ. અમારી પેઢીઓ અહીં પેદા થઈ અને ખતમ થઈ, હું સ્પષ્ટ રીતે કહું છું કે જો એવું કંઈ થાય છે તો એ માત્ર રોષ પેદા કરશે અને અમે તેના વિરુદ્ધ લડીશું.
કેન્દ્ર સરકાર પર આરોપ
નસીરુદ્દીન શાહે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે હાલની સરકાર મુસ્લિમોને સામાન્ય દરજ્જના નાગરિક બનાવી રાખવા માગે છે. મુસ્લિમોના મનમાં એક ડર બેસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જેનાથી તેઓ કોઈ આશા જ ન રાખે. પણ હું કહું છું કે જો દમનની સ્થિતિ આવશે તો અમે બિલકુલ નહીં ડરીએ. અમે જવાબ આપીશું કેમકે અમે અમારી માતૃભૂમિ બચાવી રહ્યા છીએ, પોતાના પરિવારોને બચાવી રહ્યા છીએ.ધર્મસંસદને ગૃહયુદ્ધની ધમકી સમાન ગણાવી
નસીરુદ્દીન શાહએ કહ્યું કે આજે દેશમાં એક પોલીસ ઈન્સપેક્ટરના મોતથી વધુ એક ગાયના મોતને મુદ્દો બનાવવામાં આવે છે, જે વિચારણીય છે. નસીરે કહ્યું તેમની ફિલ્મો ‘અ વેડનેસ્ડે (2008)’ અને ‘સરફરોશ (1999)’ ઉપરાંત લાહોરમાં તેમનું નિવેદન કે તેમને ત્યાં ઘર જેવું પ્રતીત થાય છે અંગે તેમના પર નિશાન સાધવામાં આવ્યું હતું, એટલું જ નહીં, એક્ટરે હાલમાં જ યોજાયેલી ‘ધર્મ સંસદ’ નિશાન સાધતા તેને ગૃહયુદ્ધની ધમકી સમાન ગણાવી હતી. -
કવિઓ-કોમેડિયન્સનો કર્યો બચાવ
નસીરુદ્દીન શાહે કહ્યું કે કવિઓ અને કોમેડિયનોની એવા ટુચકાઓ માટે ધરપકડ કરવામાં આવે છે, જે તેમણે કહ્યા જ નથી. તેના ઉપરાંત એક્ટરે એ વાત અંગે પણ વિરોધ દર્શાવ્યો કે મુગલોના કથિત અત્યાચારને હાઈલાઈટ કરવામાં આવે છે, જ્યારે તેમણે કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્યથી લઈને અનેક ઈમારતો અહીં બનાવડાવી છે. નસીરે કહ્યું કે મુગલો ભારતનું નિર્માણ કરવા આવ્યા હતા.પીએમ મોદીને બનાવ્યા નિશાન
નસીરુદ્દીન શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તથ્યો તેમજ સચ્ચાઈને છૂપાવવાનો આરોપ લગાવીને કહ્યું કે ઉશ્કેરણીજનક નિવેદનો આપનારા લોકોની ધરપકડ થશે કે નહીં, એ તેના પર નિર્ભર કરે છે કે પોલીસને આદેશ કોણ આપી રહ્યું છે. શાહે પોલીસમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું હોવાનો પણ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે તેમના જીવનમાં રાજનીતિ આટલી નિમ્ન કક્ષાએ ક્યારેય જોઈ નથી. નસીરુદ્દીને કહ્યું કે તેમના પિતાએ પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો હતો પરંતુ આજે ભારતમાં જન્મ લેનારાઓનું ભવિષ્ય શું છે, એ ખબર નથી.વકીલોએ પણ દેશના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ કાર્યવાહીની માગ કરી હતી
હાલમાં જ સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ને પત્ર લખીને એ વાત પર સ્વતઃ સંજ્ઞાન લેવાનો અનુરોધ કર્યો હતો કે કઈ રીતે કેટલાક લોકો લઘુમતીઓના સામુહિક હત્યાકાંડની વાતો ખુલ્લેઆમ કરી રહ્યા છે. વકીલોએ કહ્યું કે આવા નિવેદનો આપણા દેશની એકતા અને અખંડિતતાને નબળા કરનારા છે. આ પ્રકારના નિવેદનો આપનારાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થવી જોઈએ.
