ઓમિક્રોનથી સાજા થયેલા પ્રથમ દર્દી સાથે વાતચીત:‘રસી લઈ લીધી હોવાથી ઓમિક્રોન છતાં થાક વર્તાયો નહીં કે ઓક્સિજન લેવલ ઘટ્યું નહીં’
ઓમિક્રોનમાંથી સાજા થયેલા પ્રથમ દર્દીને 13 દિવસ પછી ફૂલહાર કરી સિવિલમાંથી રજા આપવામાં આવી
ડિસેમ્બરની મધ્યમાં લંડનથી આવેલા આણંદના પ્રફુલ્લ શાસ્ત્રીને સિવિલ હોસ્પિટલમાંથી સોમવારે રજા આપવામાં આવી હતી. પ્રફુલ્લ શાસ્ત્રી ઓમિક્રોનના પ્રથમ દર્દી છે. 13 દિવસની સારવાર બાદ તેમને રજા આપવામાં આવતાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે ફૂલહારથી તેમને વિદાય આપી હતી.
તેઓ કહે છે કે, ‘મારા જીવનમાં પ્રથમવાર જ હોસ્પિટલમાં દાખલ થયો છું, લંડનમાં મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પણ અમદાવાદ એરપોર્ટ પર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. હોસ્પિટલમાં દાખલ થયાના પહેલા દિવસથી જ મારી તબિયત સારી છે. હોસ્પિટલમાં હું 12 દિવસ રોકાયો પણ એક પણ દિવસ થાક- અશક્તિ કે શ્વાસ ચઢવા જેવી તકલીફ પડી નથી. ઓક્સિજન લેવલ 99થી નીચે આવ્યું નથી કે શરદી-ઉધરસ કે તાવ આવ્યો નથી. મને કોવિડ થયો નથી પણ બે વેકિસન લીધી હોવાથી મને ઓમિક્રોન છતાં કોઇ અસર થઇ નથી.
વધુમાં તેઓ જણાવે છે કે, ‘હું લંડનથી આવ્યો ત્યારે મારે પરિવારને સરપ્રાઇઝ આપવાની હોવાથી હું આવવાનો છું તેવી ઘરે કોઇને વાત કરી જ ન હતી, પણ એરપોર્ટ પર કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મને પૂછવામાં આવ્યું કે, તમારે કઇ હોસ્પિટલમાં જવું છે તો મેં સિવિલ પસંદ કરી હતી. 13 દિવસ બાદ સોમવારે મને રજા અપાઇ છે. મારી અપીલ છે કે, મેં વેક્સિનના બે ડોઝ લીધા હોવાથી મને ઓમિક્રોનની કોઇ જ અસર થઇ નથી, જેમણે વેક્સિનનો એક ડોઝ લીધો હોય તે ઝડપથી બીજો ડોઝ લઇ લે, બુસ્ટર ડોઝ આવે તો સમયરસ લઇ લેવો. માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.’ (સમીર રાજપૂત સાથેની વાતચીતને આધારે)
હોસ્પિટલમાં પણ ચિંતામુક્ત રહ્યો હતો
હોસ્પિટલમાં સવારે ઊઠીને હું ગરમ પાણી પીને ફ્રેશ થયા બાદ યોગ-કસરત કરતો હતો. 25 મિનિટ વોકિંગ બાદ બ્રેકફાસ્ટ પોતે ભાગવત કથાકાર છું બે કલાક ચિંતન-મનન કરીને ઓનલાઈન શિવમહાપુરાણના વીડિયો જોઇને લંચ બાદ સ્ટાફને કથા સંભળાવતા હતા.
આરોગ્યપ્રદ આહાર
હોસ્પિટલ તરફથી સવારે દૂધ-બ્રેડ, લન્ચ- દાળ,ભાત,શાક અને રોટલી, સાંજે દૂધ તેમજ ડિનરમાં ખીચડી અને કઢી. જોકે બે દિવસ બાદ મોટેભાગે સફરજન અને કીવી તેમજ ઘરનું બનાવેલું સેવ-મમરાનું ચવાણું લેતા હતા.
વિશેષ દવા ન હતી: ત્રણ-ચાર મહિનાથી બ્લડપ્રેશર હોવાથી બીપીની દવા, વિટામીન-સી, શરદીની દવા તેમજ બી-કોમ્પ્લેક્સ સિવાય કોઇ દવા લેવી પડી નથી.
