કામ બંધ હોવા છતાં ગુજરાતમાં કંપનીઓ, દુકાન માલિકોએ 10.94 લાખ કામદારોને રૂ. 1909 કરોડનો પગાર ચૂકવ્યો

કામ બંધ હોવા છતાં ગુજરાતમાં કંપનીઓ, દુકાન માલિકોએ 10.94 લાખ કામદારોને રૂ. 1909 કરોડનો પગાર ચૂકવ્યો

રાજ્યના શ્રમ વિભાગે 30,000થી વધુ એકમોનો સંપર્ક કરી વેતન ચુકવણીની ખાતરી કરી

અમદાવાદ. હાલમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે મોટાભાગના રોજગાર અને ધંધા બંધ છે. આમ છતાં રાજ્યમાં ફેકટરીઓ, વ્યાપારી એકમો અને દુકાનોના માલિકોએ 18 એપ્રિલ સુધીમાં 10.94 લાખ કામદારોને રૂ. 1,909 કરોડના પગારની ચુકવણી કરી છે. રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડીને ઉદ્યોગો, દુકાનો અને અન્ય વાણિજ્યિક એકમોને કોઈ પણ જાતની કપાત કર્યા વગર વેતન ચૂકવવાની તારીખે વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે કારીગરોને સમયસર પગાર ચૂકવાય તે માટે એક અભિયાન હાથ ધર્યું હતું.

અધિકારીઓએ માલિકોને 14,000થી વધુ ફોન, 18,000 ઈ-મેઈલથી કર્યા
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, કામદારોને સમયસર તેમનુ પૂરૂ વેતન ચૂકવાય તે માટે 30,373 ફેકટરીઓ, વ્યાપારી એકમો અને દુકાનોના માલિકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અમારા અધિકારીઓએ માલિકોને 14,000થી વધુ ફોન કર્યા હતા અને 18,000થી વધુ માલિકોનો ઈ-મેઈલથી સંપર્ક કર્યો હતો. 

અમદાવાદમાં સૌથી વધુ રૂ. 431 કરોડનું વેતન ચૂકવાયું
અમદાવાદમાં 1519 એકમોએ 1.76 લાખ કામદારોને રૂ. 431 કરોડ વેતન ચૂકવ્યુ છે. વડોદરામાં 1109 માલિકોએ 1.04 લાખ કામદારોને રૂ. 241 કરોડ, ભરૂચમાં 1.17 લાખ કામદારોને રૂ. 238 કરોડ, જ્યારે સુરતમાં 1.86 લાખ કામદારોને રૂ. 218 કરોડ વેતન ચૂકવાયુ છે. વલસાડ અને કચ્છ એ એવા અન્ય જીલ્લા છે કે જ્યાં માલિકો દ્વારા કામદારોને રૂ. 100 કરોડથી વધુ પગાર ચૂકતે કરાયો છે.