ટ્રમ્પને ક્રાઉડ પસંદ, મોદીએ એટલે માનવમેદની ભેગી કરી : ન્યૂયોર્ક ટાઇમ્સ

ટ્રમ્પને ક્રાઉડ પસંદ, મોદીએ એટલે માનવમેદની ભેગી કરી : ન્યૂયોર્ક ટાઇમ્સ

। નવી દિલ્હી ।

અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પ બે દિવસ માટે ભારત પ્રવાસે આવી ગયા છે ત્યારે સૌની નજર તેમનાં ભારત પ્રવાસ અને તેનાં પરિણામો પર છે. ત્યારે વિશ્વના અખબારોએ ટ્રમ્પની મુલાકાત વિશે શું લખ્યું તેની છણાવટ.

અમેરિકા ફર્સ્ટ અને મેક ઇન ઇન્ડિયા વચ્ચેનો જંગ : ધ ડોન

પાકિસ્તાનનાં અખબાર ધ ડોને લખ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ઘણા સમયથી વેપારી સંબંધોમાં ખટાશ જાગી છે. ટ્રેડ કરાર કરવા બંને દેશો સોદાબાજીના મૂડમાં છે. ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટનો નારો લગાવી રહ્યા છે.

વિશ્વના નેતાઓ ટ્રમ્પના અહંકારને સંતોષી રહ્યા છે : ન્યૂયોર્ક ટાઇમ્સ

અમેરિકાનાં અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે ટ્રમ્પનાં ભારત પ્રવાસ અંગે ટિપ્પણી કરી છે કે ટ્રમ્પને ક્રાઉડ ગમે છે અને મોદીએ તે નાડ પારખીને અમદાવાદમાં જંગી માનવમેદની એકઠી કરી છે. મોટેરામાં ૧ લાખથી વધુ લોકો એકઠા થયા છે. રસ્તાની બંને તરફ ટ્રમ્પને આવકારવા હજારો લોકો ઊમટયા હતા.

ટ્રમ્પને મૂળ ભારતીયોના મત, ટ્રેડ ડીલમાં રસ : બીબીસી । ટ્રમ્પનો ભારત પ્રવાસ પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગોઠવાયો છે. ટ્રમ્પને યુએસ પ્રમુખની ચૂંટણીમાં અમેરિકામાં વસતા મૂળ ભારતીયોના મત મેળવવામાં રસ છે. બંને દેશો વચ્ચે વર્ષે ૧૬૦ અબજ ડોલરનો વેપાર છે તેથી ભારત સાથે ટ્રેડ ડીલમાં તેમને રસ છે. ચીનનો વિસ્તારવાદ રોકવા ભારતનો ટેકો મેળવવા ટ્રમ્પને રસ છે.

સીએએનો મુદ્દો ઉઠાવવાનો ટ્રમ્પને નૈતિક અધિકાર નથી : અલ ઝઝીરા । અલ ઝઝીરાએ લખ્યું હતું કે મોદી તેમની વ્યક્તિગત કેમિસ્ટ્રીથી બંને દેશ વચ્ચે વેપારને લગતા મતભેદો દૂર કરવા પ્રયત્નો કરશે. ટ્રમ્પે અનેક વખત કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા ઓફર કરી છે. તેઓ કાશ્મીર અને ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવી શકે છે. સીએએ અને ધાર્મિક આઝાદીનો મુદ્દો ઉઠાવવાનો ટ્રમ્પને અધિકાર નથી.

મોદી, ટ્રમ્પ બંને મુસ્લિમ વિરોધી વલણ માટે જાણીતા છે : CNN

અમેરિકાની ચેનલ સીએનએન એ લખ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર મુદ્દે મતભેદો ચાલી રહ્યા છે આમ છતાં ટ્રમ્પ માટે મેગા શો યોજીને મોદીએ વિશ્વ મહત્ત્વનો સંદેશ આપ્યો છે. મોદીના કેટલાક નિર્ણયોનો દેશમાં જ નહીં વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. પ્રતિકુળ સંજોગોમાં મહત્ત્વના નિર્ણયો લઈને તેનો અમલ કરવાના મોદી મોડેલને ટ્રમ્પ તેમજ વિશ્વના અનેક નેતાઓ પસંદ કરે છે. મોદી, ટ્રમ્પના એક સમાનતા એ છે કે બંને મુસ્લિમ વિરોધી વલણ માટે જાણીતા છે.