વેલકમ ટ્રમ્પ : અમેરિકા આપણી સાથે હશે તો આપણો પાવર ચાર ગણો વધી જશે
ભારતનાં મોટાભાગનાં નાગરિકો જે દેશમાં જવાનું સ્વપ્ન જોઇ રહ્યાં છે તે દેશનું નામ અમેરિકા છે. અમેરિકાની સરકાર અને ભારતની સરકાર વચ્ચે જેટલા સંબંધો નહીં હોય એટલા ગાઢ સંબંધો આપણાં દેશની પ્રજાએ અમેરિકા સાથે બાંધી દીધાં છે. તેમાં વચ્ચે કોઇ સરકાર આવતી નથી.
અમેરિકા અને ભારત વચ્ચે કેવા સંબંધો સરકારની દખલગીરી વગર સ્થાપિત થઇ ગયાં છે તેનું આ એક નાનકડું ઉદાહરણ છે. દેશનાં લાખો વિદ્યાર્થીઓ અત્યારે અમેરિકામાં અભ્યાસ કરી રહ્યાં છે અને અભ્યાસ કર્યા પછી H-૧ વિઝા લઇને અમેરિકામાં જ ઠરીઠામ થઇ રહ્યાં છે. ત્યાં કમાયેલા પૈસા ભારતમાં મોકલી રહ્યાં છે. H-૧ વિઝા અમેરિકા એવાં લોકોને આપે છે કે જેઓ પોતાના ફિલ્ડમાં કાબેલ હોય અને જે લોકોની અમેરિકાની કંપનીઓને જરૂર છે. ૨૦૧૮માં અમેરિકાની એક સંસ્થાએ જાહેર કર્યું હતું કે, અમેરિકામાં H-1B વિઝા ધરાવતા કુલ ૪,૧૯,૬૩૭ લોકો છે તેમાંથી ૩,૦૯,૯૮૬ ઇન્ડિયન્સ છે. આમ અમેરિકામાં રહેતા કુલ H-1B વિઝાધારકોમાંથી ૭૩.૯ ટકા H-1B વિઝા ઇન્ડિયન્સ પાસે છે. અત્યારે અમેરિકામાં દર ચાર H-૧ વિઝાધારકોમાંથી ત્રણ વિઝાધારકો ઇન્ડિયન્સ છે. અમેરિકાની ઘણી બધી કંપનીઓ પર ઇન્ડિયન્સનું પ્રભુત્વ છે. હકીકત તો એ છે કે ઇન્ડિયન્સ વગર અમેરિકાની કંપનીઓ પાંગળી છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ્યારે પહેલી વખત ચૂંટણીમાં જીત્યા ત્યારે તેમણે પોતાનો ચૂંટણી પ્રચાર અમેરિકા ફર્સ્ટનો નારો આપીને ચાલુ કર્યો હતો. પ્રેસિડેન્ટ ટ્રમ્પે બાય અમેરિકન, હાયર અમેરિકનનું સૂત્ર આપીને અમેરિકાનાં ગોરાઓને ખુશ કરી દીધાં હતા. તેમણે ચૂંટણી પ્રચારમાં વાયદો કર્યો હતો કે, હું ચૂંટણી જીતીશ તો અમેરિકાના નાગરિકોની જે નોકરીઓ ખાઇ જાય છે તેવા લોકોને તેમના દેશમાં પરત મોકલી દઇશ. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા. જ્યારે તેમની પાસે વહીવટીતંત્ર એ સાચા આંકડાં મૂક્યાં ત્યારે ખુદ પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ ચોંકી ગયાં હતાં. શરૂઆતમાં તેમણે H-1B પોલિસીને કડક બનાવવાનો કાયદો કર્યો. પરંતુ અમેરિકાની જ ટોપમોસ્ટ ૫૦ જેટલી કંપનીઓએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને પત્ર લખી H-1B વિઝાની પોલિસી અંગે બદલાવ લાવવા અને દેશમાં આવતાં હોશિંયાર ટેક્નોક્રેટને અટકાવવાની સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
અમેરિકાની ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે જો પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમેરિકામાં કુશળ ભારતિયોને આવતાં અટકાવે તો અમેરિકાની કંપનીઓ ભારતમાં પોતાની બ્રાંચ ખોલવાની શરૂ કરી દે તેમ છે. આંકડાંઓ બતાવે છે કે ભારતમાં અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓની બ્રાંચ વધી રહી છે. ૨૦૧૬માં ભારતમાં ૯૪૩ મલ્ટીનેશનલ હતી જે ૨૦૧૭માં વધીને ૯૭૬ થઇ ગઇ છે અને આ આંકડો ૨૦૧૮માં ૧૦૦૫ને પણ વટાવી ગયો છે. ૨૦૨૦માં ભારતમાં અત્યારે જે મલ્ટીનેશનલ કંપનીઓ કામ કરી છે તેમાં ૬૦ ટકા કંપનીઓ અમેરિકાની છે. હવે આ સંજોગોમાં અમેરિકી સરકારને ભારત સામે કડકાઇથી કામ લેવું પાલવે તેમ નથી.
જ્યારે બે દેશ વચ્ચે સંબંધો બનતાં હોય છે ત્યારે કોઇ એક દેશની તેમાં ગરજ હોય તેવું ઇન્ટરનેશનલ લેવલે ક્યારેય બનતું નથી. બંને દેશો જ્યારે વિન-વિન સિચ્યૂએશનમાં હોય ત્યારે જ આ સંબંધો આગળ વધે છે. અમેરિકાને ઇન્ડિયા વચ્ચેની સિચ્યૂએશન આ વિન-વિન ફેક્ટર પર આગળ વધી રહી છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ભારતનાં વડાપ્રધાન મોદીની વેવલેન્થ મળતી આવે છે. અત્યાર સુધીનાં અમેરિકાના જેટલા પ્રેસિડેન્ટ સત્તાઓ પર આવ્યાં તેઓ અમેરિકાની પ્રજાને રશિયાના ડરથી ગભરાવતાં હતાં અને કહેતા હતા કે રશિયાની કોમ્યુનિસ્ટ સરકાર અમેરિકાનાં હિતો માટે જોખમરૂપ છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ જેવા અમેરિકામાં સત્તા પર આવ્યાં ત્યારે તેમણે કોઇપણ જાતનાં ડર વિના જાહેર કર્યું કે, અમેરિકાને ખરો ડર ઔકટ્ટર ઇસ્લામિક વિચારધારાથી છે નહીં કે રશિયાથી. પ્રેસિડેન્ટ ટ્રમ્પનાં આવા નિવેદનની દુનિયાભરમાં ટીકા થઇ પરંતુ ટ્રમ્પ ડગ્યા નહીં અને તેમણે અમેરિકામાં આવતાં મુસ્લિમ દેશોના નાગરિકોને અટકાવી પણ દીધાં. આજે ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો તેમના દેશોમાં વધતાં જતાં કટ્ટર ઇસ્લામિક પ્રભાવથી ચિંતાતુર છે અને તેને કેવી રીતે અટકાવવું તેના માટે પ્રયત્નશીલ છે. જે લોકો શરૂઆતમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પનો વિરોધ કરતાં હતાં તેઓ હવે પ્રેસિડેન્ટ ટ્રમ્પનાં કટ્ટર ઇસ્લામિક વિચારધારાથી ડરવાનું છે તે વાતથી સંમત થયાં છે.
વડાપ્રધાન મોદી પણ ટ્રમ્પની જેમ પોતે જે વિચારે છે તે અમલમાં લાવતાં અચકાતાં નથી. વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યકાળમાં કાશ્મીરમાં ૩૭૦ની કલમ રદ કરી, ટ્રિપલ તલાક રદ, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જેવા ક્રાંતિકારી નિર્ણયો વિરોધની પરવાહ કર્યા વગર લીધાં છે. આજ સમાનતા મોદી અને ટ્રમ્પની વચ્ચે દોસ્તી વધારી રહી છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાતે આવે છે ત્યારે કેટલાક લોકો પ્રેસિડેન્ટ ટ્રમ્પના સ્વાગત માટે કેટલો ખર્ચ થઇ રહ્યો છે ? તેમની સ્વાગત માટે આટલી બધી મશીનરી સરકાર કેમ લગાડે છે ? પ્રેસિડેન્ટ ટ્રમ્પનાં સ્વાગતમાં સરકાર બેવડ કેમ વળી જાય છે તેવા વાહિયાત પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. હકીકત એ છે કે ભારતે જો આગળ વધવું હશે તો મજબૂત મિત્રની જરૂર છે. અત્યારે દુનિયામાં અમેરિકા જેવો મજબૂત મિત્ર ભારતને શોધે જડે તેમ નથી. ભારતને ભવિષ્યમાં ચીનથી ખતરો છે. ચીન સામે પડવામાં ભારતની સાથે જો અમેરિકા ઊભું રહે તો જ ભારત ચીન સાથે બાથ ભીડી શકે તેમ છે. આ એક લાંબી રણનીતિ છે. અત્યારે જે રીતે ઇન્ટરનેશનલી પોલિટિકલ ઇક્વેશન બદલાઇ રહ્યાં છે અને તેમાં પાકિસ્તાન, ચીન, રશિયા, ઇરાન, ઉત્તર કોરિયાની જે ધરી બની રહી છે તેની સામે ભારતે પણ મજબૂત સાથીદારો શોધવા રહ્યાં.
વર્ષો સુધી ભારતની પોલિસી બિનજોડાણવાદની રહી. પરંતુ પાછલાં બારણે વડાપ્રધાન પંડિત નેહરુથી લઇને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સુધીના શાસનકાળમાં રશિયા સાથે ગાઢ સંબંધો આપણે રાખ્યાં. જેના કારણે અમેરિકા સતત આપણાંથી નારાજ રહ્યું અને આપણે અમેરિકાની દોસ્તીથી દૂર રહ્યાં. આર્થિક ક્ષેત્રે રશિયાનો ફુગ્ગો જ્યારે ફૂટી ગયો ત્યારે દુનિયાને ખબર પડી કે રશિયાએ પોતાનો ખોટો હાઉ ઊભો કર્યો હતો. હવે જ્યારે ભારતની રાજનીતિ એક સાચી દિશામાં જઇ રહી છે અને અમેરિકા સાથે ફ્રેન્ડશિપ વધારી રહી છે તેમાં કઇ ખોટું નથી. અમેરિકા જેવો મિત્ર જો આપણે પડખે હોય તો દુનિયાના કોઇપણ દેશની સાથે રૂઆબથી ભારત વાત કરી શકે છે તેટલી સાદી સમજ ટ્રમ્પની મહેમાનગતિનો વિરોધ કરનારાઓને કેમ નથી પડતી તે એક મોટો સવાલ છે.
