આજે વિશ્વની મહાસત્તા અમદાવાદનાં આંગણે, એરપોર્ટ પર PM મોદી કરશે સ્વાગત

આજે વિશ્વની મહાસત્તા અમદાવાદનાં આંગણે, એરપોર્ટ પર PM મોદી કરશે સ્વાગત

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઔઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલા ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશન સાથે સોમવારે અમદાવાદ આવી રહ્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે. ટ્રમ્પનું મેગાસિટીમાં રોકાણ સાડા ત્રણ કલાકનું રહેશે. તેઓ તેમના ખાસ વિમાન મારફતે સવારે ૧૧:૫૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થશે. વિમાનમાં તેઓ પરંપરાગત રીતે ટોચના અમેરિકી અધિકારીઓ સાથે સમગ્ર કાર્યક્રમોની તલસ્પર્શી વિગતો ૧૫ મિનિટમાં મેળવી બહાર આવશે અને એ સાથે ગાર્ડ ઓફ ઓનર આપતાં લશ્કરની ત્રણ પાંખના જવાનોની કવાયત અને બેન્ડથી એરપોર્ટ ધણધણી ઊઠશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રમ્પનું શાનદાર સ્વાગત થશે એ સાથે દુનિયાની સૌથી મોટી મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખ અને દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના વડાનું મિલન થશે. ત્યારબાદ ટ્રમ્પ, તેમનાં પત્ની તથા વડા પ્રધાન રસાલા સાથે લોકોનું અભિવાદન ઝીલતાં તથા દેશની ભાતીગળ સાંસ્કૃતિક નૃત્ય-ઝાંખી નિહાળતા સાબરમતી આશ્રમમાં પહોંચશે. અહીં તેઓ ૧૫ મિનિટ ગાળશે, બાદ એ જ રીતે રસ્તાની બંને કોરે ઊભેલાં લોકોનું અભિવાદન ઝીલતાં બપોરે ૧:૧૦ વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે અને તુર્ત પાંચ મિનિટમાં ટ્રમ્પનો કાર્યક્રમ શરૂ થશે, જે દોઢેક કલાક ચાલશે. બાદમાં ટ્રમ્પ અને તેમનો કાફલો એરપોર્ટ પરત આવશે અને સાડા ત્રણ વાગ્યે અમદાવાદની વિદાય લેશે.

બાહુબલી ટ્રમ્પે કહ્યું : મહાન મિત્રોને મળવા આતુર

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ભારત પ્રવાસે આવવા નીકળ્યા તે પહેલાં તેમણે બાહુબલી થીમ ઉપર બનાવેલો એક વીડિયો રિટ્વિટ કર્યો હતો. તેમાં ટ્રમ્પને બાહુબલી બતાવવામાં આવ્યા છે. ટ્રમ્પે રિટ્વિટ કરતા જણાવ્યું કે, ભારતમાં મારા મહાન મિત્રોને મળવા માટે આતુર અને ઉત્સાહિત છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પનું એરપોર્ટ પર સ્વાગત કરશે  

ટ્રમ્પનુ સ્વાગત કરવા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર જ કાફલા વગર એરપોર્ટ પર જશે. મોદી અને ટ્રમ્પની કાર ગુજસેલના વીવીઆઇપી ગેટની બહાર નિકળે ત્યારે ટ્રમ્પની કારની આગળ અને પાછળ સુરક્ષા ગાડીઓનો કાફલો જોડાશે. ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકી પ્રેસિડેન્ટના માનાર્થે એરપોર્ટ ઉપર ગાર્ડ ઓફ ઓનર નહીં અપાય, એ માત્ર નવી દિલ્હી ખાતે અપાશે. અમદાવાદ એરપોર્ટ ખાતે સ્પેશિયલ ‘ટ્રાય-સર્વિસ લાઇન-અપ’નું આયોજન થયું છે. લશ્કરની ત્રણે પાંખના જવાનો પરંપરાગત કવાયત દ્વારા પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે.

ટ્રમ્પ આપણી વચ્ચે, તે આપણું સૌભાગ્ય : મોદી

રવિવારે પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે ટ્રમ્પની મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે. ટ્રમ્પને આવકારવા ભારત ઉત્સાહિત છે. ટ્રમ્પ સોમવારે અમદાવાદમાં આપણી વચ્ચે હશે તે આપણું સૌભાગ્ય છે.

ટ્રમ્પને આ રીતે સુરક્ષા અપાશે

૪૦૦ સિક્રેટ સર્વિસ અધિકારી- ટેકનિકલ અધિકારી સાથે તૈનાત

૩૯ કાર પ્રેસિડેન્ટ કોન્વોયમાં રહેશે

સ્નાઈપર્સ- એન્ટી સ્નાઇપર્સ તૈનાત રહેશે

ડોગ સ્કવોડ, USના ૨ હેલિકોપ્ટર

૧ ટેકનિકલ રોડરનર કાર : મોબાઇલ, કમાન્ડ કન્ટ્રોલ વ્હિકલ, સેટેલાઇટ કોમ્યુનિકેશન, જામર સિસ્ટમ, બેલેસ્ટિક મિસાઇલ ગ્લાસ, સરફેસ ટુ એર મિસાઇલ, એન્ટી એરક્રાફ્ટ ગન.

૨૨ કિ.મી.ના રોડ શોમાં બે લાખ લોકો હાજર રહી શકે…

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સોમવારે એરપોર્ટથી મોટેરા વાયા ગાંધીઆશ્રમ સુધીના રોડ શો ૨૨ કિલોમીટરનો થશે. રોડ શો ૨૨ કિ.મી.નો થવાના કારણે બે થી અઢી લાખ લોકો રોડ શોમાં હાજર રહે તેવી ગોઠવણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી ટ્રમ્પનો કોન્વોય તાજ સર્કલ, ડફનાળા ચાર રસ્તા, રિવરફ્રન્ટ, સુભાષબ્રિજ થઈ સાબરમતી આશ્રમ પહોંચશે. આશ્રમથી પરત આ જ રૂટ પર તાજ સર્કલ પહોંચી ત્યાંથી ઈન્દિરાબ્રિજ, ભાટ ત્રણ રસ્તા, કોટેશ્વર થઈ મોટેરા સ્ટેડિયમ પહોંચશે..

ગાંધીઆશ્રમમાં ગુજરાતી નાસ્તો પીરસાશે  

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતી-પંજાબી ફ્યુઝન ફૂડ પીરસવામાં આવશે. જેમાં ગુજરાતના વિખ્યાત ખમણ-ઢોકળા, પંજાબી સમોસા, ઓરેન્જ જ્યૂસ, નારિયેળ પાણી અપાશે. તમામ વાનગી વરાળથી બાફીને તૈયાર કરાશે. મસાલાનો બિલકુલ ઉપયોગ નહીં કરવામાં આવે. તમામ વાનગી શુદ્ધ શાકાહારી જ પીરસવામાં આવશે.

યુએસ પ્રમુખ ટ્રમ્પનો ૨૪-૨૫ ફેબ્રુઆરીનો કાર્યક્રમ

૨૪ ફેબ્રુઆરી સોમવાર

૧૧:૪૦ – એરપોર્ટ આગમન

૧૨:૧૦ –  ગાર્ડ ઓફ ઓનર

૧૨:૨૦ – રોડ-શોની શરૂઆત

૧૨:૩૫ – ગાંધી આશ્રમ

૧૨:૫૦ –  આશ્રમથી રવાના

૧:૧૦ – મોટેરા સ્ટેડિયમ

૧:૧૫ – ગાલા ઇવેન્ટની શરૂઆત

૩:૦૦ – એરપોર્ટ પરત

૩:૩૦ – આગ્રા જવા રવાના

૪:૪૫ – આગ્રા એરફોર્સ સ્ટેશને આગમન

૫:૧૫ – તાજમહાલનાં દીદાર કરવા પહોંચશે

૬:૪૫ – દિલ્હી જવા રવાના થશે.

૭:૩૦ – દિલ્હીનાં પાલમ એરફોર્સ સ્ટેશને આગમન

૨૫ ફેબ્રુઆરી મંગળવાર

૧૦ કલાકે – રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત

૧૦:૩૦ – રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી

૧૧:૦૦ – મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા

૧૨:૪૦ – હૈદરાબાદ હાઉસમાં પ્રેસને સંબોધન

૭:૩૦ – રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદ સાથે બેઠક

૮ : મહાનુભાવો સાથે ભોજન

રાત્રે ૧૦ કલાકે : અમેરિકા જવા રવાના

ટ્રમ્પનું ફૂડ મેનુ

વેલકમ ડ્રિંક : ઓરેન્જ અને જામફળ જ્યૂસ, નારિયેળ પાણી

ચા-કોફી : અમેરિકન, અંગ્રેજી, ર્દાિજલિંગ, આસામ, ગ્રીન અને લેમન ટી, કૂકિઝ (મધ, ૭ પ્રકારના અનાજ, ચોકો-ચિપ્સ), કાજુ-બદામ, જરદાળું, સૂકી ખારેક

નાસ્તો : ખમણ, બ્રોકોલી અને મકાઈના સમોસા

મીઠાઈ : એપલ પાઈ, કાજુ કતરી, ફ્રેશ સમારેલા ફળ

ગાંધીઆશ્રમ તરફથી ટ્રમ્પને શું અપાશે ?  

  • ખાસ પ્રકારનો ચરખો
  • આત્મકથાની ખાસ પ્રકારની તૈયાર કરેલી આવૃત્તિ
  • પેન્સિલથી તૈયાર કરેલ ગાંધીજીનું ચિત્ર
  • ખાદીનો ખેસ અને સૂતરની આંટી
  • ૧૯૩૦માં નંદલાલ બોઝે તૈયાર કરેલ જે પ્રખ્યાત ચિત્ર છે તેને ખાદીના વસ્ત્ર પર પ્રિન્ટ કરીને આપવામાં આવશે.

એન્ટિ-બેલેસ્ટિક મિસાઈલ ગ્લાસ લગાવાશે

મોટેરામાં સ્ટેજ પર અમેરિકાથી ખાસ મંગાવેલો એન્ટિ બેલેસ્ટિક મિસાઈલ ગ્લાસ મૂકવામાં આવશે. આ ગ્લાસને તાજેતરમાં જ યુએસથી લવાયો છે. આ ગ્લાસને કોઇ પણ હથિયારની ગોળી તો ઠીક મિસાઇલ પણ ભેદી શકશે નહી.

એન્ટિ-ડ્રોન સિસ્ટમ કાર્યરત રહેશે

ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદમાં રોડ શો દરમિયાન સેટેલાઈટ દ્વારા ટ્રમ્પના કાફલા ઉપર નજર રાખવા માટે અમદાવાદમાં એન્ટિ-ડ્રોન સિસ્ટમ કાર્યરત રહેશે. કોઈ પણ ડ્રોન ઉડશે તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)નું રડાર તેને ઝડપીને તોડી પાડશે.

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવા માટે રવાના થયા

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવા માટે રવાના અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવા માટે રવાના થયા છે. તેમણે અમેરિકાથી પ્રવાસનો આરંભ કરતા પહેલાં જણાવ્યું કે, હું ભારતમાં લોકોને મળવા માટે ઉત્સુક છું. અમે લાખો લોકોને મળવાના છીએ.

એન્કરિંગ માટે કોઈ જ સેલેબ્રિટી નક્કી નહીં

મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા મેગા ગાલા ઇવેન્ટના એન્કરિંગની જવાબદારી કોઈ સ્ટાર સેલેબ્રિટીને સોંપાઈ નથી. એન્કરિંગનું કામ ડો. પ્રો હીના સકસેનાને સોંપવામાં આવ્યું છે.

સ્ટેજ ઉપર ટ્રમ્પ, મેલેનિયા અને મોદી

મોટેરા સ્ટેડિયમમાં જેવી ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પીએમ મોદીની સ્ટેડિયમમાં એન્ટ્રી થશે, એ સાથે જ વિશાળ સ્ટેજ ખાલી થઈ જશે અને ત્યારબાદ દોઢેક કલાક ચાલનારા મેગા ઇવેન્ટ દરમિયાન સ્ટેજ ઉપર માત્ર ટ્રમ્પ, મેલેનિયા તથા મોદી જ રહેશે.

કૈલાશ ખૈર બાહુબલીનું ગીત ગાઈને ટ્રમ્પનું સ્વાગત કરશે

નમસ્તે ટ્રમ્પના મેગા ઈવેન્ટ માટે અનેક ગુજરાતી તથા હિન્દીના ગાયક કલાકારોને બોલાવ્યા છે.જેમા ગાયક કૈલાશ ખૈર બાહુબલી ફિલ્મનું  ગીત ગાયને US પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે. ઉપરાંત,તેઓ અન્ય કેટલાક ગીતો પણ ગાવાના છે. જ્યારે,અન્ય ગુજરાતી ગાયક કલાકારો સાંઈરામ દવે, કિંજલ દવે અને કિર્તિદાન ગઢવી વગેરે કલાકારો પણ ગીતોની રમઝટ બોલાવી દેશે. મોટેરા સ્ટેડિયમના પેવેલિયનની આગળ બનાવાયેલા વિશાળ સ્ટેજ ઉપર સવારે ૧૧ વાગ્યાથી પ્રેક્ષકોના આનંદપ્રમોદ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગીત-સંગીતનો દૌર શરૂ થશે, જે ૧:૧૦ વાગ્યા સુધી ચાલશે.

૩૪ ડિગ્રી તાપમાનમાં મહેમાન ટ્રમ્પનો સ્વાગત

૨૪મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના રોડ-શૉમાં મહત્તમ તાપમાનનો પારો ૩૪ ડિગ્રી સુધી રહેશે તેવુ હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.  પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે ટ્રમ્પ આવવાના દોઢ કલાક પહેલાં સવારે ૧૦.૩૦ વાગ્યે આવી જશે અને ટ્રમ્પનાં આગમન સુધી એરપોર્ટ ઉપર રહેશે.

સ્ટેડિયમમાં ૧.૨૯ લાખ લોકો હાજર રહે તેવી શક્યતા

મોટેરા સ્ટેડિયમની ક્ષમતા ૧.૧૫ લાખની છે. પરંતુ તંત્ર દ્વારા સ્ટેડિયમમાં ૧.૨૦ લાખ લોકોને લાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મુખ્ય સ્ટેજની આસપાસ ૧૪,૦૦૦ જેટલાં વીઆઈપી લોકો બેસશે. યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ ૧.૧૫ લાખ લોકોને લાવવા કહ્યું છે. તેના કારણે સ્ટેડિયમમાં ૧.૨૯ લાખ હાજર હશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.