અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે ઉમિયા માતાજીનું મંદિર બનશે, 28-29 ફેબ્રુ.એ શિલાન્યાસ, બે દિવસમાં બે લાખ ભક્તો આવશે

અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે ઉમિયા માતાજીનું મંદિર બનશે, 28-29 ફેબ્રુ.એ શિલાન્યાસ, બે દિવસમાં બે લાખ ભક્તો આવશે

  • ઉમિયા માતાજી સાથે મહાદેવજીના પારાનું શિવલિંગ પણ સ્થપાશે
  • મંદિરના શિખરની વ્યૂયિંગ ગેલેરીમાંથી અમદાવાદનો નજારો નિહાળી શકાશે
  • મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ ભારતીય શાસ્ત્રો મુજબ બનશે

અમદાવાદ: સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આકાર પામનાર વિશ્વના સૌથી ઉંચા અને ભવ્ય એવા ઉમિયા માતાજીના મંદિરનો 28 અને 29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે.આ મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે. તેની સાથે સાથે જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી, અવિચલદાસજી, જગદગુરુ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભર ભારતી મહારાજ સહિતના સંતો પધારશે.

આ ઉપરાંત ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા 3000 વૃક્ષો રોપવામાં આવશે.

શિલાન્યાસ સમારોહની તૈયારી અને કાર્યક્રમની રૂપરેખા
– બે દિવસમાં અંદાજે 2 લાખ કરતાં વધુ માં ઉમિયાના ભક્તો વિશ્વ ઉમિયાધામ જાસપુર–અમદાવાદ પધારશે

– સમગ્ર સમારોહના આયોજન માટે 50થી વધુ કમિટીઓ કામ કરશે

– સમગ્ર કાર્યક્રમમાં 5000થી વધુ સ્વયં સેવકો સેવા આપશે

28 ફેબ્રુઆરી 2020
– સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા

– જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે
– બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે માં ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશે
– સાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે

29 ફેબ્રુઆરી 2020
– સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન

– સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ

– શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (BAPS)અને શ્રી શ્રી રવિશંકર(આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે
– શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના 21 કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે
– શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે