કેન્દ્રનો જવાબ:ખેડૂત આંદોલનમાં મૃત્યુના રેકોર્ડ નહીં હોવાથી વળતરનો પ્રશ્ન જ નથી
લોકસભામાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરનો જવાબ
કેન્દ્ર સરકારે કહ્યું છે કે ત્રણ કૃષિકાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન ખેડૂતોનાં મોત સંદર્ભે તેની પાસે કોઇ ડેટા નથી, જેથી વળતરનો પ્રશ્ન જ ઊભો નથી થતો. ખેડૂત આગેવાનો આંદોલન દરમિયાન 700થી વધુ ખેડૂતોનાં મોતનો દાવો કરતા રહ્યા છે.
લોકસભામાં બુધવારે સરકારને પૂછાયું હતું કે સરકાર પાસે એવો કોઇ ડેટા છે કે આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોનાં મોત થયાં અને સરકાર માર્યા ગયેલા ખેડૂતોને કોઇ વળતર આપશે? તેના લેખિત જવાબમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખેડૂત આંદોલનને કારણે કોઇ ખેડૂતનાં મોતનો કૃષિ મંત્રાલય પાસે કોઇ રેકોર્ડ નથી.
તેથી મૃતક ખેડૂતોને નાણાકીય સહાય આપવાનો કોઇ સવાલ જ ઊભો નથી થતો. બીજી બાજુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણે કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર બુધવારે હસ્તાંક્ષર કરી દીધા છે. આ અગાઉ સોમવારે બંને ગૃહોથી આ બિલ પસાર થયા હતા.
700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો, આ ખેડૂતોનું અપમાન: કોંગ્રેસ
રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખેડૂતોનું અપમાન છે. કૃષિકાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. તેમ છતાં ભાજપ સરકાર એવું કહે છે કે તેની પાસે કોઇ રેકોર્ડ નથી. જો તેની પાસે 700 ખેડૂતોનાં મોતનો આંકડો નથી તો તે કોરોના મહામારી દરમિયાન લાખો લોકોનાં મોતના આંકડા કેવી રીતે ભેગા કરી શકશે?
