કોરોનાને હવે ચ્યુઇંગ ગમ આપશે ટક્કર:વૈજ્ઞાનિકો હવે એવી ચ્યુઇંગ ગમ બનાવી રહ્યા છે, જે ચાવતાં જ મોઢામાં નાશ થશે કોરોના વાઇરસ
કોરોના વાઇરસ સામે લડવા માટે અત્યારસુધી વેક્સિનને મહત્ત્વની માનવામાં આવતી હતી. ઘણી ફાર્મા કંપનીઓએ કોરોનાને ટક્કર આપતી અમુક દવાઓ પણ લોન્ચ કરી હતી, પરંતુ હવે ટૂંક સમયમાં કોરોનાને ટક્કર આપવા માટે ચ્યુઇંગ ગમનો ઉપયોગ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો અમુક છોડ દ્વારા તૈયાર કરેલી પ્રોટીનયુક્ત ચ્યુઇંગ ગમ બનાવી રહ્યા છે, જે સાર્સ કોવી-2 વાઇરસ સામે ટક્કર આપશે. પરિણામે, આ ચ્યુઇંગ ગમને કારણે કોરોના વાઇરસનું સંક્રમણ ઘટવાની શક્યતા છે.
રિસર્ચર્સે આ વિશે જણાવ્યું હતું કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તે લોકો પણ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ શકે છે. આ લોકો પણ જેમણે વેક્સિન નથી લીધી તે લોકોની જેમ જ વાઇરસને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે છે. અમેરિકામાં આવેલા પેન્સિલવેનિયા યુનિવર્સિટીના હેનરી ડેનિયલે જણાવ્યું હતું કે સાર્સ-કોવી-2 લાળ ગ્રંથીથી જ ઈન્ફેક્શન ફેલાવે છે, તેથી ઈન્ફેક્ટેડ કોઈ વ્યક્તિ જ્યારે છીંક ખાય, ખાંસી ખાય અથવા બોલે તો એ વાઇરસ બીજામાં ફેલાય છે.
લાળમાં વાઇરસને ન્યૂટ્રલ કરી દે છે ગમ
મોલેક્યૂલર થેરપી જર્નલમાં પ્રકાશિત રિસર્ચનું નેતૃત્વ કરનાર ડેનિયલે કહ્યું હતું કે આ ચ્યુઇંગ ગમ લાળમાં જ વાઇરસને ન્યૂટ્રલ કરી દે છે, જેથી વાઇરસનું સંક્રમણ થવાનું ત્યાંથી જ અટકી જાય છે. મહામારી પહેલાં ડેનિયલ હાઈ બ્લડપ્રેશર માટે એક પ્રોટીન હોર્મોનનું રિસર્ચ કરતા હતા. તેમણે લેબોરેટરીમાં એસીઈ2 પ્રોટીન અને અન્ય ઘણાં પ્રોટીન ડેવલપ કર્યાં છે, જેને હવે દવા તરીકે લોન્ચ કરી શકાય એટલી એમાં ક્ષમતા છે. આ દવા બનાવવા માટે તેમણે મોટા ભાગે પ્લાન્ટ્સનો ઉપયોગ કર્યો છે.
કેવી રીતે તૈયાર કરાઈ આ ચ્યુઇંગ ગમ
રિસર્ચસે જણાવ્યું હતું કે એસીઈ2નું ઈન્જેક્શન ગંભીર સંક્રમણવાળા દર્દીઓમાં વાઇરસની સંખ્યા ઘટાડે છે. ચ્યુઇંગ ગમનું પરીક્ષણ કરવા માટે રિસર્ચ ટીમે છોડમાંથી એસીઈ2 તૈયાર કર્યું છે. એમાં અન્ય એવાં તત્ત્વોનો ઉમેરો કર્યો જે પ્રોટીન સાથે જોડાવામાં મદદ કરે. ત્યાર પછી એ છોડની સામગ્રીને ગમ ટેબ્લેટમાં રૂપાંતરિત કરવામાં આવી છે. રિસર્ચ ટીમ વર્તમાનમાં આ મૂલ્યાંકન કરવા ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી મેળવવાની દિશામાં આગળ કામ કરી રહી છે.
ટીમનો હેતુ એ માહિતી મેળવવાનો છે કે શું સાર્સ-કાવી-2થી સંક્રમિત લોકોમાં પરીક્ષણ કરવાથી આ ચ્યુઇંગ ગમ પ્રભાવી સાબિત થાય છે. રિસર્ચર્સનું કહેવું છે કે જો ક્લિનિકલ ટ્રાયલમાં આ ચ્યુઇંગ ગમ સફળ સાબિત થાય છે તો એનો ઉપયોગ કોરોના દર્દીઓ માટે કરી શકાશે, જેનાથી આ વાઇરસ આગળ વધતો અટકાવી શકાશે.
